ભારતમાં સીલિંગ ફેન (પંખો) મોટે ભાગે ત્રણ બ્લેડ સાથે મળે છે, જ્યારે અમેરિકા-કેનેડા અને અન્ય કેટલાક દેશોમાં પંખામાં ચારથી પાંચ બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. આવું તેમની નવી ડિઝાઇન કે અલગ દેખાડવા માટે કરવામાં આવતું નથી, પણ તેની પાછળ એક કારણ છે.

આવા દેશોમાં ઠંડક આપવા માટે નથી હોતા પંખા
અમેરિકા કે અન્ય ઠંડા દેશોમાં લોકો પંખાનો એસીના પૂરક તરીકે ઉપયોગ છે. અહીં તેમનો હેતુ રૂમમાં હવા રાખવાનો હોય છે, અહીં તેઓ પંખાનો ઉપયોગ લોકોને કે ઠંડક આપવા માટે કરતા નથી. ચાર બ્લેડના પંખા ત્રણ બ્લેડની સરખામણીએ ધીમા ચાલે છે અને વધુ હવા ફેંકે છે.

આવા પંખા જ સારી હવા ફેંકે છે
ભારતમાં પંખા ઘરે-ઘરે ગરમીમાં રાહત મેળવવા માટે લગાવવામાં આવે છે. હળવા હોવાની સાથે તે તીવ્ર ગતિથી ચાલે છે અને એસીની સરખામણીએ વધુ વીજળી બચાવે છે. પંખા વજનમાં હળવા હોય અને તેની બેલ્ડ્સ ઓછી હોય ત્યારે જ સારી હવા ફેંકે છે. આ જ કારણને લીધે ભારતમાં ત્રણથી વધુ બ્લેડ ધરાવતા પંખાનો ઉપયોગ કરવામાં આવતો નથી.

વીજળી બચાવે છે ત્રણ બ્લેડ ધરાવતા પંખા
ત્રણ બ્લેડ ધરાવતા પંખાથી વીજળીની બચત થાય છે. જો રૂમ વધુ મોટો ન હોય તો ચારે ખૂણા સુધી હવા પહોંચે છે. ઊલટાનું તે ચાર બ્લેડ ધરાવતા પંખાની સરખામણીએ ઓછી કિંમતમાં મળી જાય છે.

પંખાની ખરીદી વખતે આટલું ધ્યાન રાખો
પંખા ખરીદતી વખતે તેની બ્લેડના એંગલનું જરૂર ધ્યાન રાખવું. બ્લેડનો એંગલ 12 ડિગ્રીથી ઓછો ન હોવો જોઈએ. જો તે ઓછો હોય તો માત્ર ને માત્ર વીજળી જ ખાશે. પંખા માત્ર દેખાવમાં મોટા અને સારા લાગશે, પણ તે રૂમમાં બરાબર હવા નહિ ફેંકે. 16 ડિગ્રી ધરાવતો કે તેનાથી વધુ બ્લેડ એંગલ ધરાવતો પંખો ઝડપી હવા ફેંકવાના મામલે સારો રહેશે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. આવામાં 12થી 14 ડિગ્રી વચ્ચેની બ્લેડ એન્ગલ ધરાવતા પંખાને પસંદ કરો.

source: iamgujarat.com

ભારતમાં 3 પાંખિયાવાળા પંખા જ કેમ? જ્યારે અમેરિકામાં 4 બ્લેડનો પંખો હોય છે


લગભગ દરેક માણસ બ્યુટી પ્રોડકટનો યુઝ કરો છે. છોકરીઓ ફેસ ફાઉન્ડેશન, આઈ શેડો, ફેસ પાઉડર કે અન્ય બીજી પ્રોડકટોનો યુઝ કરે છે. ત્યારે બીજી તરફ છોકરાઓ પણ ફેરનેસ ક્રીમનો યુઝ કરે છે. આ પ્રોડકટસ પર તેની મેન્યુફેકચર ડેટ હોય છે. જોકે ઘણી પ્રોડકટસ પર એક્સપાયરી હોતી નથી. એવામાં આપણને એ વાતનો ખ્યાલ આવતો નથી કે પ્રોડકટ કયારે એક્સપાયર થઈ જશે.

આ બાબતનો ખ્યાલ હોવો એટલા માટે પણ જરૂરી છે, કારણ કે જો પ્રોડકટ એક્સપાયર થઈ ગઈ તો તેની સાઈડ ઈફેકટ્સ પણ થઈ શકે છે. આ માટે બ્યુટી પ્રોડકટ પર એક કોડ છપાયેલો હોય છે. જેના દ્વારા તમે 1 સેકન્ડમાં તેની એક્સપાયરી ડેટ જાણી શકો છો.

સ્કીન ઈન્ફેકશનનો ખતરો

બ્યુટી એક્સપર્ટ કાન્તા સૂદેએ જણાવ્યું કે જો કોઈ પ્રોડકટને એક્સપાયર થઈ ગયા બાદ યુઝ કરવામાં આવે છે તો તે સ્કિન માટે હાનિકારક થઈ શકે છે. જો પ્રોડકટમાં એસિડ છે ત્યારે સ્કિન પર પિપલ્સ, ફંગલ ઈન્ફેકશન, રેડ ચેન્જ થઈ શકે છે. એવામાં એક્સપાયર થઈ ચૂકી પ્રોડકટને યુઝ કરવાથી બચવું જોઈએ. તેમણે જણાવ્યું કે બ્રાન્ડેડ પ્રોડકટ હોય છે, તેનો યુઝ એક્સપાયરીના 6 મહીના બાદ પણ કરી શકાય છે. જોકે તમારી સ્કીન કેવા પ્રકારની છે એ બાબત પણ ખૂબ જ મહત્વની છે.

આંખો સાથે જોડાયેલી ઘણી પ્રોડકટ જેવી કે આઈ લાઈનર, કાજલ માર્કેટમાં આવે છે. તેનો યુઝ કયારે પણ એક્સપાયરી બાદ ન કરવો જોઈએ. કારણ કે જો પ્રોડકટની સાઈડ ઈફેકટ થાય તો આંખોમાં ઈન્ફેકશન થઈ શકે છે.

કઈ રીતે ઓળખશો એક્સપાયરી ડેટ

બ્યુટી પ્રોડકટ સાથે જોડાયેલી બોટલ, ટયુબ કે અન્ય પ્રકારના પેકિંગ પર તેની સંપૂર્ણ ડિટેલ હોય છે. એટલે કે પ્રોડકટ કયાં મેન્યુફેકચર થઈ અને તેની એક્સપાયરી ડેટ શું છે ? એવામાં જો તમારી પ્રોડકટ પર એક્સપાયરી નથી તો પણ તમે તે અંગે જાણી શકો છો. તમામ બ્યુટી પ્રોડકટ પર એક નિશાન પ્રિન્ટ હોય છે. જેમાં ખુલેલી ડબ્બી જોવા મળે છે. આ ડબ્બીમાં 6M, 12M અને 24M લખેલું હોય છે. અહીં Mનો અર્થ મહિનો થાય છે. એટલે કે તમારી પ્રોડકટની એક્સપાયરી મેન્યફેકચર ડેટથી 6 મહીના, 12 મહીના કે પછી 24 મહિનાની છે.

source: divyabhaskar.co.in

બ્યુટી પ્રોડકટ પર નથી એક્સપાયરી ડેટ, તો આ નિશાનને જોઈને 1 સેકન્ડમાં જાણો


તમે દરજી પાસેથી સીવડાવેલું પેન્ટ પહેરતા હોય કે પછી મોલમાંથી લીધેલું કોઈ બ્રાન્ડેડ જીન્સ પહેરતા હોય. તમને પેન્ટની ચેઈનમાં YKK લખેલું ઘણીવાર જોવા મળ્યું હતું. પરંતુ શું તમારા મનમાં ક્યારેય વિચાર આવ્યો ખરો આ YKKનો મતલબ શું થાય છે અને તે કેમ લખવામાં આવે છે. તો આજે અમે તમને અહીં YYKના રહસ્ય વિશે જણાવિશું જે ઈંગ્લેન્ડ અને અમેરિકાથી લઈને ભારતમાં બનતા અને પહેરાતા જીન્સમાં જોવા મળે છે. પરંતુ તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

આ છે તેનું કારણ

હકીકતમાં YKKનો મતલબ એટલે કે આખું નામ Yoshida Kogyo Kabushiki gaisha છે. આ એક જાપાની કંપનીનું નામ છે, જેને જાપાનની રાજધાની ટોક્યોના એક વેપારી Tadao Yoshidaએ શરૂ કરી હતી. આ વ્યક્તિને જાન્યુઆરી 1934થી પેન્ટની ચેઈન બનાવવાની કંપની શરૂ કરી હતી. આમ તો પેન્ટની ચેઈન શોધનારા અમેરિકન એન્જિનિયર Whitcomb L. Judsonનું નામ ઘણા ઓછા લોકોએ સાંભળ્યું હશે, પરંતુ દુનિયાની સૌથી મોટી ચેઈન નિર્માતા કંપનીનું નામ YKK કરોડો લોકોના જીવનનો હિસ્સો બની ચૂક્યું છે. આ કંપનીનું નામ વર્ષ 1994માં બદલીને Yoshida Manufacturing Corporation કરી દેવાયું પરંતુ પોતાની પ્રોડક્ટ્સ પર કંપનીનો લોગો YKK હજુ પણ નથી બદલાયો.

અડધી દુનિયા માટે ચેઈન બનાવે છે કંપની
તમને જાણીને નવાઈ લાગશે કે YKK ચેઈન બનાવનારી દુનિયાની પહેલી કંપની છે અને હાલમાં તેનો વેપાર ભારત સહિત દુનિયાના 71 દેશોમાં સંચાલિત છે. YKK આ સમયે દુનિયાની અડધી વસ્તી માટે ચેઈનનું ઉત્પાદન કરે છે.

રોજની 50 લાખ ચેઈનનું ઉત્પાદન
આમ તો YKK ચેઈન ઉપરાંત અન્ય તમામ પ્રકારના ટૂલ્સ અને આર્કીટેક્ચરલ પ્રોડક્ટ્સ પણ બનાવે છે, પરંતુ ચેઈન માટે તે દુનિયામાં પહેલા નંબર પર છે. કંપની ભલે જાપાનની હોય, પરંતુ તેની ચેઈન ફેક્ટરી યૂરોપ અને એશિયાના બોર્ડર રિજનમાં સ્થિત જોર્જિયા અને મૈકોનમાં છે, જ્યાં રોજની 50 લાખથી વધારે ચેઈન બનાવાય છે. તેમાં પેન્ટ અને જીન્સ ઉપરાંત ટ્રેક સૂટ અને નાના ટેન્ટ વગેરેમાં વપરાતી ચેઈન પણ શામેલ છે.

source: iamgujarat.com

પેન્ટની ચેઈન પર લખેલા YKKનો શું થાય છે મતલબ? જાણો છો તમે


શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે પ્રકારે તમે તમારી કારને સાફ કરો છો તે તમારી કારને નુક્સાન પણ પહોંચાડી શકે છે. તમારી કાર સાફ કરવાની સ્ટાઇલ સાચી હોય કે ન હોય. કારને સાફ કરવાની પ્રોસેસ ઘણી સરળ છે પરંતુ આ પ્રોસેસ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેનાથી કારના કલરથી લઇને બીજા પાર્ટ્સ ખરાબ થવાની શક્યતા વધી જાય છે. આજે અમે અહીં કારને સાફ કરતી તમારે શું કરવું જોઇએ એ અંગે જણાવી રહ્યાં છીએ.

સૌથી પહેલા ધૂળ સાફ કરવી જોઇએ
તમારી કાર પર ધૂળ જામી જાય તો તમે શું કરશો. તમારે હમેશા સૌથી પહેલાં તમારી કારની ધૂળને સૂકા કપડાથી સાફ કરવો જોઇએ. આ કંડીશનમાં જો તમે ભીના કપડાંથી કારને સાફ કરો છો તો પેન્ટ પર સ્ક્રેચ પડવાનું જોખમ વધી જાય છે. તેથી ધૂળને ક્યારેય ભીના કપડાંથી સાફ ન કરવું જોઇએ.

શું ગરમીમાં ઠડું પાણી કામ આવશે?

ઘણીવાર ગરમીમાં કારને ઠંડી કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેવું ન કરવું જોઇએ. ગરમ કાર પર જો ઠંડુ પાણી નાંખવામાં આવે તો તેનો પેઇન્ટ ઉખડી જવાનું જોખમ રહે છે. તેથી કારને તડકાંમાં વૉશ કરવાના બદલે છાયડાંમાં કારને પાર્ક કરીને વૉશ કરવી જોઇએ.

શેમ્પુ કે વૉશિંગ પાઉડર

તમે તમારી કારને વૉશ કરવા માટે યૂઝ કરો છો, શેમ્પુ, વૉશિંગ પાઉડર અથવા ડિશ સાબુ. વૉશિંગ પાઉડર અથવા ડિશ સાબુ બન્ને વધારે ફિણ કરે છે. જો તમે આ બન્નેથી કારને સાફ કરતા હોવ તો તેવું ન કરવું જોઇએ કારણ કે તેનાથી કારને સરફેસને નુક્સાન પહોંચી શકે છે.

કપડાંને આ રીતે ન ફેરવો

વૉટરલેસ વૉશ સોલ્યૂશનને સ્પ્રે કર્યા બાદ સીધી લાઇનમાં હળવા પ્રેશર સાથે કપડું એટલે કે માઇક્રોફાઇબર કપડાંથી સાફ કરો. કપડું જેટલું ચોખું છે તેના પર પણ ધ્યાન આપો. જો તે ગંદુ હોય તો કપડાંના બીજા ભાગથી કારને સાફ કરો. કપડાંને ગોળ-ગોળ ફેરવવાથી ધૂળ કાર પર જ રહી જશે.

source: divyabhaskar.co.in

કારને સાફ કરતી વખતે આ નાની ભૂલો પડી શકે છે મોંઘી, થશે મોટું નુક્સાન


આજકાલ બાઈક્સ અને કાર્સમાં મોટાભાગે ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, ત્યારે તમારા વાહનનું ટાયર પંકચર છે તેમ કહી તમારી પાસે રુપિયા પડાવવાનો ખેલ પણ મોટા પાયે ચાલી રહ્યો છે. શક્ય છે કે, તમે એકાદવાર તેનો ભોગ પણ બની ચૂક્યા હશો. જો તમારા વાહનમાં પણ ટ્યૂબલેસ ટાયર હોય, તો તેમાં એર પ્રેશર ચેક કરાવતા પહેલા તમારે કેટલીક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરુરી છે.

અચાનક જ ટાયરમાં પંકચર કઈ રીતે?
આમ તો મોટા ભાગે આપણે પેટ્રોલ પંપ પર જ આપણા વાહનના ટાયર્સનું એર પ્રેશર ચેક કરાવતા હોઈએ છીએ. જોકે, કેટલીકવાર ટાયરનું પ્રેશર ચેક કરીને હવા ભરનારો વ્યક્તિ કોઈ એક ટાયરમાં પ્રેશર ઓછું છે તેમ કહી પંકચર કરવું પડશે તેમ કહે છે. આવા સમયે તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જાઓ છો કે, કાલ સુધી તો બધુ બરાબર હતું, આજે અચાનક શું થઈ ગયું?

એક સાથે ચાર-પાંચ પંકચર બતાવાય છે
અમદાવાદમાં એક ટાયર કંપનીની એજન્સી ધરાવતા અને પંકચર વર્કશોપ ચલાવતા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, કેટલાક પેટ્રોલપંપો પર અને ખાસ તો હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટાયરમાં હવા ઓછી છે તેવું કહી ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાનો ખેલ ચાલે છે. એકાદ ટાયરમાં જો હવા થોડી ઓછી પણ હોય તો પણ આ લોકો તેમાં એક ટેકનિકથી તમને ચાર-પાંચ પંકચર બતાવે છે.

આ રીતે થાય છે ઠગાઈ
ગ્રાહકો સાથે ઠગાઈ કરતા આ લોકો પાસે એક એવું પાનું હાથમાં જ હોય છે કે જે દેખાતું પણ નથી, અને તેનાથી તેઓ કારના ટાયરમાં પંકચર ચેક કરતા-કરતા જ બારીક કાણા પાડી દે છે. અને પછી તેમાંથી હવાના પરપોટા બહાર નીકળવા લાગે ત્યારે ટાયરમાં આટલા પંકચર છે તેમ કહીને તેઓ તમારી પાસેથી સારા એવા રુપિયા પડાવી લે છે.

એક પંકચરના 100 રુપિયા પડાવાય છે
ટ્યૂબલેસ ટાયરમાં એક પંકચરના 100 રુપિયા પડાવાય છે, અને જો તમારી પાસે ગાડી હોય અને તમે આવી સ્થિતિમાં મૂકાઓ તો ચાર પાંચ પંકચર એક સાથે જ તમને બતાવીને તમારી પાસેથી 400-500 રુપિયા પંકચર બનાવનારો આરામથી પડાવી લે છે, અને આગળ જઈને હેરાન ન થવાય તે ડરથી તમે તેને મો માગ્યા પૈસા આપી પણ દો છો.

આનાથી બચવા શું ધ્યાન રાખવું?
તમે જ્યારે પણ કારમાં એર પ્રેશર ચેક કરાવો ત્યારે તેની અંદર જ બેસી રહેવાને બદલે કારની બહાર નીકળો, અને તમારી હાજરીમાં પ્રેશર ચેક કરાવો. જો કોઈ ટાયરમાં પ્રેશર બીજા ટાયર્સ કરતા ઓછું હોય અને તમને તેમાં પંકચર છે તેમ કહેવામાં આવે તો પેટ્રોલ પંપ પર પંકચર કરાવવાને બદલે કોઈ ટાયર કંપનીના શોરુમ પર અને શક્ય હોય તો તમારું ટાયર જે કંપનીનું છે તેના ઓર્થોરાઈઝ્ડ શોરુમ પર જ જાઓ.

ટ્યૂબલેસ ટાયરમાં હવા ઓછી હોય તો?
જો ટાયરમાં પ્રેશર ઓછું હોય તો ચિંતા કરવાની કોઈ જરુર નથી. તમે તેમાં પૂરી હવા ભરાવીને તેને આરામથી ડ્રાઈવ કરી શકો છો. ત્યાં સુધી કે જો તમારી કારના ટ્યૂબલેસ ટાયરમાં ખિલ્લી પણ ઘૂસી જાય તો પણ તમે તેને હવા ભરાવ્યા બાદ પંકચરની દુકાન સુધી આરામથી લઈ જઈ શકો છો. માટે, પેટ્રોલપંપ પર પંકચરવાળો તમને હવા ઓછી છે તેમ કહી ડરાવે તો પણ તેને ત્યાં પંકચર કરાવવાનું ટાળો.

ઓર્થોરાઈઝ્ડ શો રુમ શોધવો કઈ રીતે?
તમારી આસપાસ ટાયર કંપનીનો ઓર્થોરાઈઝ્ડ શોરુમ ક્યાં છે તે તમે ગુગલ પર ખૂબ જ સરળતાથી શોધી શકો છો. જો તમારું ટાયર વોરન્ટીમાં હોય તો તમે વોરંટી લાગુ પડતી હોય તેવા કિસ્સામાં ફ્રીમાં ટાયર પણ રિપ્લેસ કરાવી શકશો. પરંતુ જો તમે બીજે ક્યાંક પંકચર બનાવડાવી દીધા તો શક્ય છે કે તમે વોરંટી પણ ગુમાવી બેસો.

નાઈટ્રોજન પણ સારો વિકલ્પ છે
ટાયરમાં સાદી હવા ભરાવવાને બદલે તમે નાઈટ્રોજન પણ ભરાવી શકો છો. નાઈટ્રોજન ભરાવવાથી તમારે બે-ત્રણ મહિને માંડ એકાદ વાર એર પ્રેશર ચેક કરાવવું પડે છે, અને જો પંકચર પડી પણ જાય તો પણ તેમાં નાઈટ્રોજન લાંબો સમય ટકે છે. નાઈટ્રોજન ભરાવેલો હોય તો પણ તમે તેમાં ઈમરજન્સીમાં સાદી હવા ભરાવી જ શકો છો.

પંકચર કિટ પણ સાથે રાખી શકો
જો તમે બહારગામ જતા હો તો તમે પોતાની સાથે ટ્યૂબલેસ ટાયરની પંકચર કિટ પણ પોતાની સાથે રાખી શકો છો. ટ્યૂબલેસ ટાયરનું પંકચર જાતે બનાવવું પણ ખૂબ સરળ છે. તે તમે યૂટ્યૂબ પર વીડિયોઝ જોઈને પણ શીખી શકો છો. તેનાથી ન માત્ર તમારા પૈસા બચશે, પરંતુ તમે ક્યાંક પંકચરને લીધે ફસાઈ પણ નહીં જાઓ, અને ટ્યૂબલેસ ટાયરનો ફાયદો ઉઠાવી શકશો. આમ પણ, ટ્યૂબલેસ ટાયરમાં પંકચર બનાવવાના લગભગ બધી જગ્યાએ પંકચર દીઠ 100 રુપિયા પડાવાય છે, જ્યારે તેની કિટ તેના કરતા ઘણી સસ્તી પડે છે.

source: iamgujarat.com

ટ્યૂબલેસ ટાયરમાં પંકચરના નામે આ રીતે થાય છે તમારી સાથે ઠગાઈ


જો આપ કોઇનું વ્યક્તિત્વ સમજવા ઇચ્છો છો તો તેની આંગળીઓ જરૂરથી જોજો. ખરેખરમાં આપણાં શરીરનાં અંગમાં આપણાં ઘણાં રહસ્ય છુપાયેલા હોય છે. તે તમારા વર્તન, વ્યવહાર કે બીમારીઓ ઘણું બધુ જણાવે છે. એવું જ એક અંગ છે આપણી આંગળીઓ. જે વ્યક્તિત્વ વિશે ઘણું બધુ કહી જાય છે.

  • જે લોકોની અનામિકા એટલે કે વિંટી પહેરીયે તે આંગળી તર્જની એટલે કે પહેલી આંગળી કરતાં લાંબી હોય તે લોકો દેખાવમાં આકર્ષક હોય છે પણ તેમની અંદર ખુબજ ગુસ્સો ભરેલો હોય છે તેઓ કોઇપણ પ્રકારનાં જોખમ ખેડતા ડરતા નથી.
  • જે મહિલાઓની અનામિકા આંગળી તર્જની કરતાં લાંબી હોય તેવાં લોકો વ્યવસાય ક્ષેત્રે પણ ઘણી જ સફળતા મેળવે છે. જો મહિલાની અનામિકા લાંબી હોય તો તે બહિર્મુખી હોય છે તેનુ મગજ ખુબજ તેજ ચાલે છે.
  • જે લોકોની અનામિકા આંગળી તર્જની કરતાં નાની હોય છે તેમનાંમાં આત્મવિશ્વાસ ખુબ હોય છે સાથે જ તેઓ આકર્ષણનું કેન્દ્ર પણ રહે છે. તેમને ગમે છે જ્યારે લોકો તેમનાં વખાણ કરે છે.
  • જે લોકોની તર્જની અને અનામિકા બંનેની લંબાઇ સરખી હોય તેવા લોકો ઘણાં જ શાંતિ પ્રિય સ્વભાવનાં હોય છે. કોઇ ઝઘડામાં તેઓ પડતા નથી. તેમને લડાઇ ઝઘડાનો ભાગ બનવું અસહજ લાગે છે. તેથી તે તેનાંથી દૂર જ રહે છે.
  • જો આપની મધ્યમા એટલે કે વચ્ચેની આંગળીનો પહેલો વેઢો ઉપરથી ચપટો હોય તો એવાં લોકો કળાનાં ક્ષેત્રમાં મોટુ નામ બનાવે છે. જો બીજો વેઢો લાંબો હોય તો તે વ્યક્તિ વેપાર ક્ષેત્રમાં ઉંચાઇ હાંસેલ કરે છે.
  • કનિષ્કા એટલે કે ટચલી આંગળી. આ આંગળીને બુધની આંગળી પણ કહે છે. આ આંગળીની સારી-નરસી અવસ્થાથી વ્યક્તિની બુદ્ધિ અને કળા અંગે જાણવા મળે છે.
  • જે લોકોની અનામિકા વચ્ચેની આંગળી કરતાં પણ લાંબી હોય છે તે વ્યક્તિ જોખમ ઉઠાવનારો હોય છે અને જો મધ્યમા આંગળીની લંબાઇ તર્જની જેટલી જ હોય તો આવા વ્યક્તિઓમાં માન-સમ્માન અને ધન કમાવવાની તીવ્ર ઇચ્છા હોય છે.
  • વચ્ચેવાળી આંગળી શનીની કહેવાય છે. જો તે આંગળી અણીદાર હોય તો તે વ્યક્તિ આળસુ હોય છે. આ આંગળીનો સૌથી ઉપરનો ભાગ ચમકદાર હોય તો વ્યક્તિ સારો વક્તા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય છે.

source: news18.com

તમારી આંગળીઓ પરથી જાણો તમારું વ્યક્તિત્વ? એકવાર અવશ્ય વાંચજો


તમે રેલવેમાં મુસાફરી કરી હતી અને રેલવે સ્ટેશન પણ ગયા હશો. શું તમારા ધ્યાનમાં આવ્યું કે રેલવે સ્ટેશન પર લગાવેલા બોર્ડમાં સ્ટેશનના નામ સાથે સમુદ્ર સપાટીની ઊંચાઈ (Mean Sea Level, MSL) લખેલી હોય છે. શું તમને ખબર છે કે આ બોર્ડ પર સમુદ્ર સપાટીથી ઊંચાઈ શા માટે લખવામાં આવે છે. આ રહ્યો તેનો જવાબ.

આ કારણે લખવામાં આવે છે આ માહિતી

રેલ્વે સ્ટેશન પર લગાવવામાં આવેલ બોર્ડ પર સ્ટેશનનું નામ અને સમુદ્ર સપાટીથી ઊંચાઇ લખેલ હોય છે. આ લખવા પાછળનું કારણ એ છે કે આ જાણકારી રેલ્વેનાં ડ્રાઇવર અને ગાર્ડ માટે હોય છે. ઉદાહરણ જોઇએ તો જ્યારે કોઇ ટ્રેન 100 મીટર સમુદ્ર તળની ઊંચાઇથી 150 મીટર સમુદ્ર સપાટીની ઊંચાઇ તરફ જઇ રહેલ છે તો આ બોર્ડને જોઇને ડ્રાઇવરને એ વાતનો આઇડીયા થઇ જાય છે તેને કઇ રીતે આ ટ્રેનનાં એન્જીનને સ્પીડ આપવાની છે. કારણ કે ઉંચાઈ પર ટ્રેન જતી હોય ત્યારે ટ્રેનને વધુ તાકાની જરૂર પડે છે એટલે કેટલો પાવર આપવો તે ડ્રાઈવર આ બોર્ડના આધારે નક્કી કરે છે.

વીજળીના તારોની ઊંચાઈ જાળવવા માટે

સાઇન બોર્ડની મદદથી ટ્રેનનાં સંચાલનમાં મદદ મળી રહે છે. સાથે ટ્રેનની ઉપર લાગેલા વીજળીનાં તારોને એક સમાન ઊંચાઇ આપવામાં પણ મદદ મળી રહે છે. જેના કારણે વીજળીના તારો ટ્રેન સાથે દરેક સમયે સંપર્કમાં રહે એટલે કે વીજળીના તારો સાથે ટ્રેનનું કનેક્શન જળવાઈ રહે છે.

ઊંચાઈ આ કારણે લખવામાં આવે છે

તો હવે જ્યારે આપ ફરી વાર ટ્રેન દ્વારા ક્યાંય પણ ટ્રાવેલ કરવા જઇ રહ્યાં છો તો આ બોર્ડ પર આપ જરૂરથી ધ્યાન આપો. જો કે આપને તો હવે ખ્યાલ આવી ગયો હશે કે આખરે સ્ટેશન પર લગાવેલા આ બોર્ડ પર સમુદ્ર સપાટીથી ઊંચાઇ કેમ લખેલ હોય છે.

source: iamgujarat.com

ભારતીય રેલવે સ્ટેશન બોર્ડ પર ‘સમુદ્ર સપાટીથી ઊંચાઈ’ કેમ લખેલી હોય છે?


દુનિયા ફરવાની ઈચ્છા કોને ન હોય? પણ આ પહેલા આપણે પોતાની જાતને એક સવાલ પૂછવો જોઈએ કે, શું તમે પોતાનો જ દેશ સંપૂર્ણ રીતે જોઈ લીધો છે? શું તમે ભારતનું છેલ્લું ગામ જોયું છે? હા, આ ગામ સાથે ઘણા બધા રસપ્રદ કિસ્સાઓ પણ જોડાયેલા છે. કહેવામાં આવે છે કે, આ જ ગામમાંથી પાંડવ સ્વર્ગ ગયા હતા. આ ગામ ચીનની સરહદ પર ઉત્તરાખંડના બદ્રીનાથથી ચાર કિલોમીટર દૂર છે. એટલે અહીં પહોંચવું એટલું મુશ્કેલ પણ નથી. તો ચાલો આજે આ ગામ સાથે તમારો પરિચય કરાવીએ.

જોવાલાયક સ્થળો

આ ગામનું પૌરાણિકના નામ મણિભદ્ર છે. અહીં અલકનંદા અને સરસ્વતી નદીઓનો સંગમ પણ થાય છે. આ ઉપરાંત અહીં વ્યાસ ગુફા, ગણેશ ગુફા અને ભીમપુલ પણ જોવાલાયક સ્થળો છે. કહેવાય છે કે, અહીંથી જ પસાર થઈને પાંડવો સ્વર્ગ ગયા હતા.

ભીમ પુલ સાથે જોડાયેલી દંતકથા

એક દંતકથા પ્રમાણે જ્યારે પાંડવો સ્વર્ગ જઈ રહ્યાં હતા ત્યારે તેમણે સરસ્વતી નદી પાસે જવા માટે રસ્તો માંગ્યો હતો. સરસ્વતી રસ્તો આપવાની ના પાડતા ભીમે બે મોટા ખડગ ઉઠાવીને તેના પર મુકી દીધા અને પાંડવ તેના પર થઈને નદી પાર જતા રહ્યાં. આજે આ પુલને ભીમપુલના નામે ઓળખવામાં આવે છે.

આ રીતે નિર્માણ પામી ગણેશ ગુફા

અન્ય એક પ્રચલિચ વાર્તા અનુસાર, જ્યારે ગણેશજી વેદ લખી રહ્યાં હતા ત્યારે સરસ્વતી નદી ખૂબ જ તીવ્રતાથી વહી રહી હતી અને ખૂબ જ અવાજ થઈ રહ્યો હતો. ગણેશજીને નદીને અવાજ ઓછો કરવા માટે આગ્રહ કર્યો, મને મારા કાર્યમાં ખલેલ પહોંચી રહી છે પણ સરસ્વતી જી રોકાયા જ નહીં. આનાથી નારાજ થઈને ગણેશજી તેમને શ્રાપ આપી દીધો કે, હવે આનાથી આગળ તે કોઈને દેખાશે જ નહીં.

વ્યાસજીની ગુફા પણ

વ્યાસ ગુફા સાથે જોડાયેલી દંતકથા અંગે કહેવામાં આવે છે કે, મહર્ષિ વેદવ્યાસે અહીં વેદ, પુરાણ અને મહાભારતની રચના કરી હતી અને ભગવાન ગણેશ તેમના લેખક બન્યા હતા. એવી માન્યતા છે કે, વ્યાસજી આ જ ગુફામાં રહેતા હતા. અત્યારે આ ગુફામાં વ્યાસજીનું મંદિર બનેલું છે. અહીં તેમની સાથે તેમના પુત્ર શુકદેવ વલ્લભાચાર્યની મૂર્તિઓ પણ છે. આની સાથે જ ભગવાન વિષ્ણુની પણ એક પ્રાચીન પ્રતિમા છે.

ભારતની છેલ્લી ચાની દુકાન

અહીં આવેલી ભારતની છેલ્લી ચાની દુકાન પણ આકર્ષણનું કેન્દ્ર છે. મેથી ઑક્ટોબર મહિના દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ સમય અહીં આવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. છ માસ સુધી આ ગામમાં ખાસી આવનજાવન રહે છે. બદ્રીનાથ ધામના કપાટ બંધ થઈ જતા અહીં આવન-જાવન બંધ થઈ જાય છે.

source: iamgujarat.com

ખૂબ જ સુંદર છે ભારતનું છેલ્લું ગામ, અહીં આવેલો છે સ્વર્ગ જવાનો રસ્તો!


સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં બાપાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે, અહીં જલારામ બાપાનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. ત્યારે જલારામ બાપાના જીવનના પ્રસંગોમાંથી જીવનવૃત્તાંત વાંચકો માટે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. જલારામ બાપા પાસે એક વૃદ્ધ સંતે તેમની પત્નીને પોતાની સાથે સેવા કરવા માટે મોકલવા માટે કહ્યું હતું.

કેવો હતો તે પ્રસંગ

એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ ‘નારાયણ! નારાયણ! નારાયણ!’ કરતા જગ્યામાં આવી ગયા. વૃદ્ધ સાધુએ કહ્યું, ‘આ શરીર ખૂબ જીર્ણ થયું છે, કોઈ ચાકરી કરે એવું જોઈએ છે.’ જલારામ બાપા કહે, ‘ તો હું આપની સેવા કરું!’ વૃદ્ધ સાધુએ કહ્યું, ‘હેં! તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી જોડે મોકલ! અને સાંભળ, એની રાજીખુશીથી એ આવવી જોઈએ, દબાણથી નહીં!’ વીરબાઈએ તરત કહ્યું, ‘હું હમણાં જ તૈયાર થઈને આવું છું.’

પરમેશ્વરે કરી હતી પરીક્ષા

ગામમાં ખબર ફેલાતાં આખું ગામ ભેગું થઈ ગયું. કોઈ બાપાને સમજાવવા લાગ્યું કે વહુનાં દાન ન હોય! વીરબાઈમાને વિદાય આપી બાપા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા. શું ખબર ઠાકોરજી સાથે એમણે શી વાત કરી! પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવવા બેઠા. આ તરફ સાધુ વીરબાઈને લઈને ચાલ્યો. બે-ત્રણ માઈલ પર નદી આવી. ત્યાં સાધુ કહે ‘માઇ, મારાં આ ધોકો-ઝોળી સાચવ! હું ઝાડે ફરીને આવું છું.’ આમ કહી સાધુ ઝાડવાં પાછળ અદ્રશ્ય થઈ ગયા. કેટલાક ભરવાડના છોકરાઓએ આ જોયું. દોડતા જઈ એમણે ગામમાં આ વાત કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં, પણ ભગતબાપાની પરીક્ષા કરવા આવેલા પરમેશ્વર પોતે હતા! તે દિવસથી એ ઝોળી-ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવાર-સાંજે એનું પૂજન થાય છે.

જલારામ બાપાનો જન્મથી લઈ લગ્ન સુધીનું જીવન

વિ.સં.1856ના કારતક સુદ સાતમને સોમવારે તારીખ 4/11/1799ના રોજ વીરપુરમાં લોહાણા પરિવારમાં રાજબાઈ માતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યા. પણ બાળક જલારામનું ચિત્ત ભણવા-ગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે ઝૂકેલું રહેતું. સાધુને જુએ કે એનો હાથ પકડીને એ એને ઘરે જમાડવા તેડી લાવતાં.


એમ કરતાં કરતાં જલારામ ચૌદ વરસના થયાં. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધા. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે. આથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એમને સંસારમાં બાંધવા એમણે એમનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેમણે વિનમ્રતાથી પિતાને કહ્યું, ‘ તમે મને સંસારની ઘટમાળમાં શા માટે જોડો છો? મારે તો ભગવાનની ભક્તિ કરવી છે.’


ત્યારે પિતાએ અને કાકા વાલજીભાઇએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો’ક દહાડો આપણે ઘરે કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાંખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડા કણ ખાય એનુય પુણ્ય લાગે!’ ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.

સાધુ-સંતોના સંગથી પિતાએ ઘરથી જુદા કરી દીધા

જલારામબાપાને મન સંસાર સાધુની સેવા માટે હતો. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું. તેથી અવારનવાર સાધુ-સંતો અહીં રોકાતા. સાધુડો જોયો કે જલારામનું રૂંવેરૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ-સંતોને એ ઘરે જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું પાણી આપે, વસ્તુ જોઈએ તો વસ્તુ આપે. આથી પિતાએ તેમને ઘરથી જુદો કરી નાખ્યાં. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યા. એકવાર દસ-બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડ્યા. જલારામે એમને તાકામાંથી ફાડીને દસ હાથ પાણકોરું આપ્યું, પછી દાળ-ચોખા, લોટ-ગોળનું પોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલી નિકળ્યાં.

હવે દુકાનમાંથી એમનું ચિત્ત ઉઠી ગયું હતું. એકાએક એમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ઘરે પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું.

જલારામ બાપા ભોજા ભગતને માન્યા ગુરુ

જલારામ બાપા જાત્રાથી પરત ફર્યા બાદ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડ્યા અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ઉચકીને ઘરે લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, ‘મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું.’ ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, ‘મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોક્તા હરિ એમ રહેવું.’ તેમણે સદાવ્રતની શરૂઆત કરી. (વિ.સં. 1876 મહાસુદ બીજ).


દિવસે-દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતી જતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈ દરદ હતું. હરજીએ કહ્યું, ‘હે જલા ભગત! મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ!’ બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજો થઈ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો,‘બાપા, તમે મને સાજો કર્યો!’

1881માં બાપાનો વૈકુંઠવાસ થયો
વિ. સં.1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરિરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. સંવત 1937 મહા વદ દસમે બુધવારે (23/2/1881) બાપાએ ભજન કરતાં કરતાં, એકય્યાસીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે.

source: divyabhaskar.co.in

જલારામ બાપાના જન્મથી લઈ લગ્ન સુધીનું જીવન ચરિત્ર, જાણો અહીં


ત્રણે લોકોમાં રાધાજીની સ્તુતિ થતી જોઈને દેવર્ષિ નારદ ખીજાઈ ગયા. તેમની એક જ ફરિયાદ હતી કે પોતે કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે, તો પછી મારું નામ કોઈ કેમ નથી લેતું? દરેક ભક્ત 'રાધે-રાધે' શા માટે કહે છે? તેઓ પોતાની આ વ્યથા લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યા.

નારદજીએ જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ ભયંકર માથાના દુખાવાથી કણસી રહ્યા હતા. ભગવાનની આ પીડા દેવર્ષિથી ન જોઈ શકાઈ અને તેમણે પૂછયું, 'ભગવાન! શું આ માથાના દુખાવાનો કોઈ ઉપચાર છે? મારા હૃદયના રક્તથી આ દુખાવો શાંત થઈ જાય તો હું મારું રક્ત દાન કરી શકું છું.'

આ સાંભળી શ્રીકૃષ્ણએ ઉત્તર આપ્યો, 'નારદજી, મને કોઈના રક્તની જરૂર નથી, પરંતુ જો મારો કોઈ ભક્ત પોતાનું ચરણામૃત એટલે કે પોતાના પગ ધોઈને તે પાણી પીવડાવી દે તો મારો માથાનો દુખાવો શાંત થઈ શકે છે.'

નારદજી મનમાં વિચારવા લાગ્યા કે ભક્તનું ચરણામૃત, તે પણ ભગવાનના શ્રીમુખમાં. આમ કરનારને તો ઘોર નરક ભોગવવું પડશે. આ વાત જાણવા છતાં કોઈ નરક ભોગવવા શા માટે તૈયાર થાય? શ્રીકૃષ્ણએ નારજીને કહ્યું કે તેઓ રુક્મિણી પાસે જઈને આ બધી જ વાત કરે તો શક્ય છે કે રુક્મિણી પોતાનું ચરણામૃત આપવા તૈયાર થઈ જાય.

નારદજી રુક્મિણી પાસે ગયા અને તેમને સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. રુક્મિણી બોલ્યાં, 'ના, ના, હું આ પાપ ન કરી શકું.' નારદજીએ પાછા ફરીને રુક્મિણીની વાત શ્રીકૃષ્ણને જણાવી. હવે શ્રીકૃષ્ણએ નારદજીને રાધાજી પાસે મોકલ્યા. રાધાજીએ શ્રીકૃષ્ણની પીડા વિશે જાણ્યું કે તરત જ એક પાત્રમાં જળ લઈને આવ્યાં અને તેમાં પોતાના બંને પગ ડુબાડ્યાં.

પછી તેમણે નારદજીને કહ્યું, 'દેવર્ષિ, આ ચરણામૃતને ઝડપથી શ્રીકૃષ્ણ પાસે લઈ જાઓ. હું જાણું છું કે ભગવાનને પોતાના પગ ધોઈને પીવડાવવાથી મને રૌરવ નામના નરકમાં પણ સ્થાન નહીં મળે, પરંતુ મારા પ્રિયતમના સુખ માટે, તેમની પીડા શાંત કરવા માટે હું અનંત યુગો સુધી નરકની યાતનાઓ ભોગવવા તૈયાર છું.' દેવર્ષિના પ્રશ્નનું સમાધાન થઈ ગયું.

તેઓ સમજી ગયા કે ત્રણે લોકોમાં રાધાના પ્રેમનાં સ્તુતિગાન શા માટે થઈ રહ્યાં છે? નારદજીએ પોતાની વીણા હાથમાં લીધી અને રાધાજીની સ્તુતિ ગાવા લાગ્યા.

source: sambhaavnews.com

શા માટે રાધા-કૃષ્ણનો પ્રેમ અમર છે? જાણી લો આ કહાની, સમજી જશો કે…